Thursday, November 19, 2009

રૂપશાસ્ત્રઃ એક પરિચય

લેખકઃ ઊર્મિ દેસાઈ

ધ્વનિ, રૂપ, પદ, વાક્ય – ભાષાના મૂળભૂત ઘટકો છે. આ ઘટકો અંગેની વૈજ્ઞાનિક ચર્ચા ગુજરાતી ભાષામાં અત્યંત જૂજ માત્રામાં થઈ છે. એ પરિસ્થિતિમાં ‘રૂપશાસ્ત્ર’ અંગેનો ‘પરિચય’ આપતું પુસ્તક ઉપલબ્ધ બને તે આનંદની વાત છે. ડો. ઊર્મિ દેસાઈ જાણીતા ભાષાવિજ્ઞાની છે. વર્ષોથી તેઓ આ કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેમણે ‘ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો’, ‘ગુજરાતી ભાષા અને વ્યાકરણનો ઇતિહાસ’, ‘ભાષાશાસ્ત્ર શું છે?’, ‘વ્યાકરણ વિમર્શ’, ‘ભાષાશાસ્ત્રની કેડીએ’, ‘ભાષાનુષંગ’ વગેરે જેવા વિવિધ પુસ્તકો આપ્યા છે, જેમાં તેમના સંશોધનો, લેખ, અવલોકનો દ્વારા ભાષાવિજ્ઞાન અને ગુજરાતીનો ભાષાવૈજ્ઞાનિક અભ્યાસ નિરૂપાયો છે.
તેમણે પોતે પ્રસ્તાવનામાં નોંધ્યું છે તે મુજબ ‘અનુસ્નાતક કક્ષાએ શીખવાતા ભાષાશાસ્ત્ર વિષયમાં રૂપશાસ્ત્રના અભ્યાસક્રમને લક્ષમાં રાખીને તૈયાર કરેલું અને રૂપશાસ્ત્રનો વર્ણનાત્મક પરિચય કરાવતું આ પુસ્તક છે. એટલે આ પુસ્તકમાં ભાષાસામગ્રીની વ્યવસ્થા અને ગોઠવણ પાયાની શિક્ષણાત્મક જરૂરિયાત પૂરી પાડે તે રીતે કરવામાં આવી છે.’ તેથી તેમણે રૂપશાસ્ત્ર, રૂપઘટક, તેના પ્રકાર, રૂપવર્ગો, રૂપાખ્યાન, રૂપપ્રક્રિયા ઉપરાંત, વ્યાકરણિક કોટિઓ, પદસિદ્ધિ, શબ્દસિદ્ધિ, અંગસિદ્ધિ, સમાસસિદ્ધિ અને દ્વિરુક્તિની વિગતે ચર્ચા કરી છે.
પુસ્તકના આરંભે રૂપશાસ્ત્રની વિભાવના સ્પષ્ટ કરીને આ શાસ્ત્ર કઈ રીતે વિકસ્યું તેનો ખ્યાલ આપ્યો છે. બીજા પ્રકરણમાં ‘રૂપઘટક’ને ઓળખવા, તારવવા અંગેની વિગતે ચર્ચા કરી છે. આ સંદર્ભે તેમણે નાઈડાના છ સિદ્ધાંતોની સોદાહરણ ચર્ચા કરી છે.
ત્યાર બાદ રૂપઘટકોની રચના, તેમનો પરસ્પરનો સંબંધ, પ્રકારો –ની ચર્ચા કરી છે. રૂપઘટકો ધ્વનિઘટકાત્મક સ્વરૂપ ધરાવતા હોવાતી ધ્વનિઘટક, સહવર્તીધર્મ વગેરેને આધારે રૂપઘટકની રચનાની ચર્ચા કરી છે. રૂપઘટક પરના નિયંત્રણો, તેમના પરસ્પરના સંબંધો વર્ણવીને વિતરણની દૃષ્ટિએ મુક્ત વિ. નિબદ્ધ, ધાતુ વિ. અધાતુ વગેરેની ચર્ચા કરી છે. ત્યાર બાદ વિવિધ રૂપવર્ગો, રૂપાખ્યાનની વિગતે ચર્ચા કરી છે. રૂપાખ્યાનની ચર્ચા કરતાં સંગતિ – અસંગતિ ધરાવતી ભાતનો ખુલાસો મેળવવા જરૂરી ‘રૂપશાસ્ત્રીય પ્રક્રિયા’ની ચર્ચા કરી છે.
ત્યાર બાદ લિંગ-વચન-વિભક્તિના નામિક પદપ્રત્યયો અને અર્થ-અવસ્થા-કાળ-પ્રયોગના આખ્યાતિક પ્રત્યયને આધારે પદસિદ્ધિની ચર્ચા કરી છે. ત્યાર બાદ કરેલી શબ્દસિદ્ધિની ચર્ચા સાથે બાકીના ત્રણ પ્રકરણો અંગસિદ્ધિ, સમાસસિદ્ધિ અને દ્વિરુક્તિ સંકળાયેલા છે.
તેઓ કોઈ પણ ઘટકની ચર્ચા કરતી વખતે વિવિધ ભાષાની વ્યવસ્થાના ઉદાહરણ આપે છે, જેથી વાચકને પોતાની ભાષામાં જે વ્યવસ્થા છે, તેવી વ્યવસ્થા અન્ય કઈ ભાષામાં છે અથવા તે વ્યવસ્થા સિવાય અન્ય કેવી વ્યવસ્થા હોઈ શકે તેનો ખ્યાલ આવે છે. જેમકે, ‘પુરુષ’ ઘટકની ચર્ચા કરતી વખતે પહેલો પુરુષ બહુવચનના રૂપોમાં ‘શ્રોતા સમાવેશી (આપણે)’ અને શ્રોતા અસમાવેશી (અમે) જેવા બે ભેદની વાત કરે છે. તે સંદર્ભે ગુજરાતી, તમિળ, પોલિનેશિયન અને તગલોગ ભાષામાં આ પ્રકારના ભેદ છે , તેવી નોંધ કરે છે. જેથી ગુજરાતી ભાષકને પોતાની ‘પહેલો પુરુષ બહુવચન’ જેવી વ્યવસ્થા અન્ય કેટલીક ભાષામાં પણ છે તેનો ખ્યાલ આવે છે. તો ‘કાળ’ ઘટકની ચર્ચા કરતી વખતે ‘ત્રણ કાળ’ સિવાય અન્ય કેવી વ્યવસ્થા હોઈ શકે તેનો જુદી જુદી ભાષાઓના ઉલ્લેખ સાથે નોંધ લેતાં તેઓ જણાવે છે કે ‘સંસ્કૃત ભાષામાં ભૂતકાળના અને ભવિષ્યકાળના વધુ સૂક્ષ્મ ભેદો જોવા મળે છે જેવા કેઃ અનદ્યતન ભૂત, પરોક્ષ ભૂત, સામાન્ય કે અનિર્દિષ્ટ ભૂત; અનદ્યતન ભવિષ્ય, દ્વિતીય ભવિષ્ય...અમુક ભાષામાં કાળના રૂપો હોતા જ નથી. ત્યાં માત્ર કોશગત શબ્દો જેવા કે ‘ગઈ કાલ, આજ, આવતી કાલ’ જ કાળને વ્યક્ત કરે. અમુક ભાષાઓ ભૂત વિ. અભૂત એવો દ્વિવિધ ભેદ કરે છે. જર્મેનિક, સ્લાવિક ભાષા તેમ જ કન્નડ ભાષા આ જાતનો ભેદ વ્યક્ત કરે છે. તો કોકવાર ભવિષ્ય વિ. અભવિષ્ય કે વર્તમાન વિ. અ-વર્તમાન, કે સમીપવર્તી વિ. અ-સમીપવર્તી એવા દ્વિભેદ જોવા મળે છે... આ ભેદો ભાષાની પોતાની વ્યવસ્થા ઉપર આધાર રાખે છે.’ એકસરખા કાર્ય માટે બે ભાષાઓ અલગ વ્યવસ્થા ધરાવતી હોય તેમ પણ તેઓ પોતાની આ તુલનામાં નોંધે છે. જેમકે ‘કાળ’ની ચર્ચામાં તેઓ નોંધે છે કે ‘અંગ્રેજી ભાષા જ્યાં સાદો ભૂત વાપરે છે ત્યાં જર્મન ભાષા પૂર્ણ વર્તમાન વાપરે છે.’
તેઓ well-read person હોવાથી વિવિધ વિદેશી ભાષાવિજ્ઞાનીઓના મતમતાંતર, ચર્ચાઓ આદિથી પોતે સમૃદ્ધ થતાં રહે છે. તેનો પરિચય તેમણે કરેલી વિવિધ ઘટકોની ચર્ચામાં વિવિધ ભાષાની વ્યવસ્થા અંગેની તુલનામાં મળે છે. જેમકે, ‘વિભક્તિ’ ઘટકની ચર્ચા કરતી વખતે સંસ્કૃત, ગ્રીક, લેટિન, જર્મન, અંગ્રેજી, જર્મન, રશિયન, ઉક્રેઈનિયન, ઝેક, સર્બોક્રોએટ, તુર્કી, એસ્કિમો, જ્યોર્જિયન વગેરે જેવી ભાષાઓની વિભક્તિગત વિશેષતાની નોંધ કરી છે.
છતાં કેટલીક બાબતો એમની સજ્જતાને અનુરૂપ વિષયચર્ચાની અપેક્ષાને અધૂરી રાખે છે. ક્યાંક વિગતદોષ જોવા મળે છે. જેમકે, ‘વિભક્તિ’ની ચર્ચા કરતી વખતે આંતરિક સ્તરે વ્યક્ત થતા તેમના સંબંધો સ્પષ્ટ કરવા માટે તેઓ જે ઉદાહરણ અને સમજૂતિ આપે છે તે જોઈએ તો, ‘‘સવાર પડી. રમા પડી’ આ દેખીતા સરખાં લાગતાં વાક્યોમાં આંતરિક સ્તરે ‘રમા’ પડવાની ક્રિયાનો કરનાર છે, એટલેકે તે યોજક કારક છે,..’ જ્યારે તેઓ પોતે જ આગળ પૃ.૮૪ પર ‘પડ’ને અકર્તૃક ધાતુ તરીકે વર્ણવે છે અને ‘વ્યાકરણવિમર્શ’માં પણ ‘યોજક’ વિશે વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે ‘ક્રિયાનો કરનાર તે યોજક. યોજક હંમેશા સ્વેચ્છાથી ક્રિયા કરવા પ્રવૃત્ત થાય છે.’ તો શું અહીં ‘રમા’ ‘પડવા’ માટે સ્વેચ્છાએ પ્રવૃત્ત થાય છે? ‘પડ’ અકર્તૃક ધાતુ હોય તો ‘રમા’ કર્તા – યોજક કઈ રીતે હોઈ શકે?
આ પુસ્તકમાં કેટલીક વિગતો વિરોધાભાસી છે. જેમકે, રૂપઘટકની વ્યાખ્યા આપતાં તેઓ નોંધે છે કે ‘રૂપઘટક લઘુતમ એકમ છે જે શબ્દ કે શબ્દના અંશો રચે છે.’ અને ‘મુક્ત રૂપઘટકો એકલાઅટૂલા વાપરી શકાય’ જેવી વિગતો આપ્યા બાદ તેઓ નોંધે છે કે ‘મુક્ત રૂપઘટક બે કે વધુ નાના મુક્ત રૂપઘટકોમાં વિભાજિત થઈ શકે.’ જો એ નાના ઘટકોમાં વિભાજિત થઈ શકતા હોય તો રૂપઘટકનું ‘લઘુતમ એકમ’ હોવું એટલે શું? અને ‘મુક્ત રૂપઘટક નાના મુક્ત રૂપઘટકમાં વિભાજિત થઈ શકે’?. વળી, આ બાબતના સમર્થન રૂપે ઉદાહરણ આપતાં નોંધે છે કે ‘‘માબાપ’ મુક્ત રૂપઘટકનું ‘મા’ અને ‘બાપ’ જેવાં નાના મુક્ત રૂપઘટકોમાં વિભાજિત થઈ શકે’ અને ‘સમાસસિદ્ધિ’ના પ્રકરણમાં નોંધે છે કે ‘સમાસસિદ્ધિ એ કોશગત પ્રક્રિયા છે, જે શબ્દઘટકોમાંથી શબ્દઘટક સિદ્ધ કરે છે; રૂપોમાંથી રૂપો નહીં. આમ સમાસ એ શબ્દકોશીય ઘડતર છે. વ્યાકરણિક ઘડતર નહીં. છતાં ‘માબાપ’, ‘રાજમહેલ’ જેવા સમાસો વ્યાકરણિક રીતે ‘મા, બાપ, રાજા, મહેલ’ જેવા સાદા શબ્દઘટકની સમાન છે.’
‘અંગ’ની વ્યાખ્યામાં પણ વિરોધાભાસ દેખાય છે. ‘ધાતુ વિ. અધાતુ’ની ચર્ચા દરમ્યાન ‘શબ્દના પાયાના અંશ તરીકે’ ‘ધાતુ’ને ગણાવે છે. અને ‘ધાતુ વિ. અંગ’ની ચર્ચા દરમ્યાન તેઓ નોંધે છે કે ‘ગણતર’માંથી {-તર} પ્રત્યય બાદ કરતાં ‘ગણ’ અંગ બાકી રહે. એટલેકે બાદબાકી કરીએ તો જ અંગ? ‘ગણ’માં {-તર} ઉમેરીએ તો ‘ગણ’ ધાતુ અને ‘ગણતર’માંથી {-તર} બાદ કરીએ તો ‘ગણ’ અંગ?
વળી, આ ચર્ચામાં જ આગળ નોંધે છે કે ‘(અંગ) ...ધાતુની જેમ સાદું રૂપ નથી પણ સંકુલ રૂપ છે.’ તો અન્યત્ર ‘અંગ’ની વ્યાખ્યા આપતા જણાવે છે કે ‘‘અંગ’ એટલે રૂપાખ્યાનના અંતિમ પ્રત્યયો કાઢી લેતાં બાકી રહેતું રૂપ. આ રૂપ સાદું પણ હોઈ શકે અથવા મૂળ પાયાના રૂપને પ્રત્યય લાગી બનેલું સંકુલ પણ હોઈ શકે.’
કેટલીક ચર્ચા સંદિગ્ધ લાગે છે. જેમકે, તેઓ રૂપઘટકના બદ્ધ વિ. મુક્ત પ્રકારની ચર્ચામાં નોંધે છે કે ‘બીજાં રૂપઘટકોને બદ્ધ ઉપરૂપ હોય, જેમકે ‘ગણતરી’ અને ‘માગણી’માં ‘ગણતર-’ અને ‘માગણ-’ ‘ગણતર’ અને ‘માગણ’ જેવા મુક્ત રૂપઘટકના બદ્ધ ઉપરૂપ ગણાય.’ એટલેકે, જે રૂપને અંગસાધક પ્રત્યય લાગી શકે તે તમામ જે તે મુક્તરૂપના ઉપરૂપ ગણાય. ભાષાના વૈજ્ઞાનિક અભ્યાસ માટે આ દૃષ્ટિકોણ કઈ રીતે મદદરૂપ થઈ શકે? ‘માગ’ એવા રૂપને ‘-ણ’ પ્રત્યય લાગતા ‘માગણ’ અંગ સધાય અને ‘માગણ’ અંગને ‘ઈ’ પ્રત્યય લાગતાં ‘માગણી’ અંગ સધાય – આ પ્રકારના વર્ણનમાં કઈ વિગત ચૂકી જવાય છે, જેના માટે ‘માગ-’ કે ‘માગણ-’ –ના નિબદ્ધ ઉપરૂપો વર્ણવવાની જરૂર પડે છે?
શબ્દસિદ્ધિની વિવિધ પ્રક્રિયાઓ પૈકી ‘કતરણ’માં તેઓ નોંધે છે કે ‘મોટાં રૂપો શિષ્ટ ભાષાનાં છે, જ્યારે ટૂંકો રૂપો ગ્રામ્ય-શિષ્ટેતર (slang) ભાષાનાં છે.’ અને આ પ્રક્રિયાના ગુજરાતી ઉદાહરણો રૂપે ‘વાલપાપડી > પાપડી, અંકગણિત > ગણિત, વિદ્યાભ્યાસ > અભ્યાસ’ જેવા શબ્દો આપ્યા છે. કયો ગુજરાતી ભાષક ‘પાપડી, ગણિત કે અભ્યાસ’ જેવા શબ્દોને ‘ગ્રામ્ય-શિષ્ટેતર’ માનશે? વળી, ‘ગણિત’ એટલે માત્ર ‘અંકગણિત’?, ‘બીજગણિત’ નહીં? (એટલે શું તેઓ ‘અંકગણિત’ને ‘ગણિત’ની પેટાશાખા માનવાને બદલે એવા શાસ્ત્રના નામનું ટૂંકુ રૂપમાત્ર ગણે છે?)
‘પ્રયોગ’ની ચર્ચામાં તેમણે ‘ભાવે પ્રયોગ’ વર્ણવતી વખતે ‘ક્રિયા કર્મ તરફ, પાછી ફરે, પરાવર્તિત થાય તેનો નિર્દેશ’ હોવાની નોંધ કરી છે. ગુજરાતી ભાષામાં ‘ભાવે પ્રયોગ’ ‘અકર્મક ધાતુ’ સાથે સંકળાતો પ્રયોગ છે, એટલેકે તેની સાથે ‘કર્મ’ કારક સંકળાતો જ હોતો નથી. એ સંજોગોમાં ‘ક્રિયા કર્મ તરફ પાછી ફરે’ એવું વર્ણન મૂંઝવણ ઊભી કરે છે. વળી, અન્ય કોઈ ભાષામાં આવી કોઈ પ્રક્રિયા થતી હોય તો તેનું પણ યોગ્ય ઉદાહરણ આપી વિગત સ્પષ્ટ કરવી જોઈતી હતી. તેને બદલે તેમણે ગ્રીક ભાષાનું ઉદારહણ આપ્યું છે, જેનો અર્થ તેમણે નોંધ્યો છે – ‘હું મને પોતાને ધોઉં છું’. અહીં પ્રયોજાયેલ ધાતુ ‘ધોવું’ પણ સકર્મક છે, અકર્મક નહીં.
આવાં સંદિગ્ધ વર્ણનો અન્યત્ર પણ વાતને સ્પષ્ટ કરવાને બદલે ગૂંચવે છે. તો કેટલીક ચર્ચાઓ દરમ્યાન લાગે છે કે લખાણમાં થોડી અસાવધાની રહી ગઈ છે. જેમકે, આખ્યાતનાં અપૂર્ણ અને અનિયમિત રૂપાખ્યાનોના મર્યાદિત રૂપો વિશે જણાવતી વખતે તેમણે ‘શકે, છે’ ના રૂપાખ્યાનમાં જ ‘જોઈએ’ ની નોંધ કરી છે, જે ખરેખર ‘શકીએ, છીએ’ના રૂપાખ્યાન સાથે આવે.
‘પુરુષ’ના વિભાવની ચર્ચા કરતી વખતે તેમણે નોંધ્યું છે કે ‘‘આપ - आप’ બી.પુ.બ.વ.નું રૂપ સ્પષ્ટપણે માનાર્થે એક વ્યક્તિ માટે વપરાતું રૂપ છે. હમણાં હમણાં ‘આપ - आप’ રૂપ ત્રી.પુ. માનાર્થે એક વ્યક્તિ માટે પણ વપરાતું થયું છે.’ ઊર્મિબહેન તેમના સ્થાનપ્રભાવે આ વાત માનતા હોય પણ સામાન્ય ગુજરાતી આ રીતે ‘આપ’ રૂપ પ્રયોજતો નથી. અત્યંત ઔપચારિક પરિસ્થિતિમાં શ્રોતા ઉચ્ચ સ્થાને બિરાજેલ હોય તે સંજોગોમાં હિંદી ભાષાના પ્રભાવ હેઠળ ક્યાંક ગુજરાતી ભાષક ‘આપ’ રૂપ પ્રયોજે છે. પણ તેનો વપરાશ ‘સ્પષ્ટપણે’ ‘વ્યાકરણી કોટિઓ’માં સમાવી શકાય તેવો નથી.
‘દ્યોતક’ ના પ્રકારોની ચર્ચામાં તેમણે ‘એકત્રિત દ્યોતક’ સંદર્ભે ‘‘એક માટે અનેક’(one to many)’ અને ‘વિસ્તારિત દ્યોતક’ સંદર્ભે ‘‘અનેક માટે એક’(many to one)’ સંબંધની નોંધ કરી છે. આ સ્પષ્ટતા અંગ્રેજી નોંધને કારણે જ થઈ શકી છે, ગુજરાતી પ્રયોગ અવળ-સવળ થઈ ગયા છે.
‘પરિભાષા’ સંદર્ભે પણ તેમણે નવા શબ્દો પ્રયોજ્યા છે, તેનું કારણ સમજાતું નથી. જેમકે, productive માટે ‘ઉત્પાદક’ પરિભાષા પ્રચલિત છે, તેમણે પણ ‘વ્યાકરણવિમર્શ’માં ‘ઉત્પાદક’ જ પ્રયોજી છે, છતાં અહીં ‘વ્યુત્પાદક’ પ્રયોજે છે. Pattern માટે ‘ભાત’ પરિભાષા પ્રચલિત છે, અહીં તેમણે ‘પારિભાષિક સંજ્ઞા સૂચિ’માં ‘અભિરચના’ શબ્દ પ્રયોજ્યો છે. તેમના ‘વ્યાકરણવિમર્શ’માં પણ ‘ભાત’ જ પ્રયોજાઈ છે, મઝાની વાત એ છે કે અહીં આરંભમાં ‘અભિરચના’ (પૃ.૧૪) પ્રયોજ્યા બાદ પૃ. ૧૭, ૨૬ પર તો ‘ભાત’ જ પ્રયોજાય છે. જે પરિભાષા પ્રયોજવી એમના માટે પણ સહજ નથી, એવી પરિભાષા ‘સૂચિ’માં આપવાનું શું પ્રયોજન?
આવી અન્ય કેટલીક પરિભાષા નીચે મુજબ છે.
પ્રચલિત પરિભાષા અહીં ‘સૂચિ’માં પ્રયોજાયેલી પરિભાષા
Function કાર્ય પ્રકાર્ય
Conditioned નિયંત્રિત અનુબંધિત
Features લક્ષણ અભિલક્ષણ
Motivation પ્રેરણા અભિપ્રેરણા
આવી અન્ય ઘણી પરિભાષા નોંધી શકાય તેમ છે.
‘પરિભાષા’ સંદર્ભે ક્યાંક એવું બને છે કે પહેલાં પ્રયોજાઈ ન હોય તેવી પરિભાષા પ્રયોજાય છે, જેમકે ‘રૂપઘટક એ આકૃતિનું લઘુતમ ઘટક છે.’માં પ્રયોજાયેલ પરિભાષા ‘આકૃતિ’ પહેલાં ક્યાંય પ્રયોજાઈ નથી. અને સૂચિ પણ અંગ્રેજી-ગુજરાતી અનુસાર અપાઈ હોવાથી તે form શબ્દ માટે પ્રયોજાઈ છે, તે શોધવા થોડું કષ્ટ લેવું પડે તેમ છે.
તો ક્યાંક પ્રચલિત પરિભાષા અપ્રચલિત સંદર્ભમાં પ્રયોજાઈ છે, તે બાબત ગૂંચવાડો ઊભો કરી શકે તેમ છે. જેમકે, તેમણે ત્રીજા પ્રકરણમાં પ્રયોજેલી પરિભાષા ‘ધાતુ’. સામાન્ય રીતે સંસ્કૃતથી માંડીને સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી પરિચિત ભાષાઓમાં ‘ધાતુ’નો વ્યાકરણ કે ભાષાશાસ્ત્ર અનુસારનો અર્થ ‘ક્રિયાના મૂળરૂપ’ને સૂચવવા માટે થાય છે. જ્યારે અહીં તેમણે કોઈ પણ શબ્દ કે રૂપના ‘root’ સંદર્ભે ‘ધાતુ’ પરિભાષા પ્રયોજી છે. અને તેની વ્યાખ્યા આ પ્રમાણે આપી છેઃ ‘શબ્દમાંથી પદસાધક અને અંગસાધક – બન્ને પ્રકારના પ્રત્યયો કાઢી લેતાં બાકી રહે તે ધાતુ. તે મુક્ત હોય કે બદ્ધ, સાદાં હોય કે સામાસિક’ ‘રૂપશાસ્ત્ર’માં ‘રૂપ-રૂપઘટક’ની ચર્ચામાં આવા કોઈ વિદેશી મતનો ઉલ્લેખ હોઈ શકે, પરંતુ ‘ભાષા’ના વર્ણનમાં અનિવાર્ય ન હોય તેવી ‘સૂક્ષ્મ’ ચર્ચા મૂળ વિષયને હાનિકારક બને તેમ છે. એટલું જ નહીં, ‘ધાતુ’ અને ‘રૂપ’ની આટલી વિગતે ચર્ચા થાય છે, પણ ‘રૂપ’ની ‘શબ્દ’ કે ‘પદ’ સંદર્ભે કોઈ સ્પષ્ટતા કરતાં નથી.
વળી, આ વર્ણનોમાં ‘phrase’ની પરિભાષા પણ કોઈ એક ચોક્કસ બાબતનો નિર્દેશ કરતી હોય તેમ લાગતું નથી. સામાન્ય રીતે ‘phrase’ માટે ‘પદ’ પરિભાષા પ્રયોજાતી હોય છે. તેને બદલે ઊર્મિબહેન સૂચિમાં ‘વાક્યાંશ’ પરિભાષા પ્રયોજે છે. પણ જરૂર પડે પ્રકરણનું શીર્ષક ‘પદસિદ્ધિ’ અપાય છે, ‘વાક્યાંશસિદ્ધિ’ નહીં, ‘phrasal’ માટે સૂચિમાં પણ ‘પદબંધીય’ શબ્દ પ્રયોજાય છે, ‘વાક્યાંશબંધીય’ નહીં. ‘રૂપ’,‘શબ્દ’, ‘પદ’ અને ‘વાક્યાંશ’ જેવી પરિભાષાના ભેદની સ્પષ્ટતા થતી ન હોવાથી જ ‘પદસિદ્ધિ’ના પ્રકરણમાં ‘પ્રત્યયોનો ક્રમ’ની ચર્ચામાં ‘...તે એક શબ્દ ગણવો કે બે શબ્દ ગણવા?’, ‘‘...કહેતો હતો, કરે છે...’ જેવાં રૂપોને શું કહેવું?’ જેવા પ્રશ્નો તેમને નડે છે.
આ પુસ્તકનું અવલોકન કરતાં મા.શ્રી ઊર્મિબહેનને એકાદ-બે સૂચન કરવાની ઈચ્છા છે. તેમણે ‘વ્યાકરણવિમર્શ’માં વ્યાકરણ સંદર્ભે વિગતે ચર્ચા કરી જ છે, અને રૂપશાસ્ત્ર સંદર્ભે જરૂરી એવી વ્યાકરણી કોટિઓની ચર્ચા ‘રૂપાખ્યાન’માં કરી જ છે. છતાં અહીં ‘વ્યાકરણી કોટિ’નું એક આખું પ્રકરણ છે, જે ‘રૂપશાસ્ત્ર’ની ચર્ચા સંદર્ભે ટાળી શકાયું હોત.
‘મુદ્રારાક્ષસ’ દરેક પ્રકાશિત પુસ્તકમાં વધતે-ઓછે અંશે પ્રવેશતો જ હોય છે. અહીં પણ હોય તે સ્વાભાવિક છે. પરંતુ જ્યારે ‘રૂપ-ઉપરૂપ’ની ચર્ચામાં પ્રવેશે ત્યારે તે મુદ્રણદોષ ઉપરાંત વિગતદોષ સાથે સંકળાઈ શકે. બીજા પ્રકરણમાં ઉપરૂપોની ચર્ચા સંદર્ભે અપાયેલી પાદટીપમાં ‘ખો, જો, ધો’ના ઉપરૂપોની નોંધ કરતાં ‘આ અંગોના ‘ખો ખૂ, જો જુ, ધાધૂ’ એવા સંધિમૂલક ફેરફાર થાય છે....અંગના પણ ઉપરૂપો સંભવે જેમકે ‘ખો- અને ખૂ, જો- અને જૂ, ધો- અને ધૂ’...વગેરે’ અહીં ‘જુ’ અને ‘જૂ’, ‘ધા- અને ‘ધો-’ ઉપરૂપો છે કે તેમાં મુદ્રણદોષ છે તે વિદ્યાર્થી કેવી રીતે નક્કી કરે?
તે જ રીતે કેટલીક જગ્યાએ અનુવાદ આપવાના થયા છે. આ અનુવાદ અપાયા છે, તેનાં કરતાં સરળ ગુજરાતીમાં આપી શકાયા હોત. જેમકે, ‘આરંભમાણ અવસ્થા’ની વાત કરતી વખતે અપાયેલ લેટિન ઉદાહરણ termisco અપાયું છે, જેનો અનુવાદ ‘હું ધ્રુજવાનું શરૂ કરું છું.’ અપાયો છે, તેના બદલે ‘હું ધ્રુજવા માંડી/માંડ્યો’ આપી શકાયો હોત, જે વધુ ‘ગુજરાતી’ છે. તે જ રીતે નાઈડાના સિદ્ધાંતોનો અનુવાદ પણ સામાન્ય વિદ્યાર્થીની સમજણ સ્પષ્ટ કરે તેવા થઈ શક્યા હોત.
કેટલાંક ઉદાહરણ અમૂર્ત છે, તેના કારણે સિદ્ધાંત સ્પષ્ટ કરવામાં તે ઉદાહરણ મદદરૂપ થતાં નથી. જેમકે, રૂપઘટકના ઉપરૂપ માટેના કોઠા સંદર્ભે અપાયેલ ઉદાહરણરૂપ વર્ણન જોઈએ તો ‘રૂપ ‘અ’ અને રૂપ ‘બ’ના પરિસરના બે કોઠા બનાવ્યા હોય તેમાં ‘અ’ રૂપ હૃસ્વ સ્વર પહેલાં આવે, ‘બ’ રૂપ દીર્ઘ સ્વર પહેલાં આવે, અથવા ‘અ’ રૂપ દંત્ય વ્યંજન પહેલાં આવે, ‘બ’ રૂપ મૂર્ધન્ય વ્યંજન પહેલાં આવે, અથવા ‘અ’ રૂપ ઘોષ વ્યંજન પહેલાં આવે, ‘બ’ રૂપ અઘોષ વ્યંજન પહેલાં આવે,...’ જેવું વર્ણન આપવાને બદલે આવા કોઈ ઉપરૂપ લઈને જ તેની ઉપસ્થિતિનું આ રીતે કોઠામાં વર્ણન કર્યું હોત તો આ બાબત સ્પષ્ટ થઈ શકી હોત.
મા.ઊર્મિબહેન જેવા સજ્જ અને સતત અભ્યાસુ ભાષાવિજ્ઞાનીના પુસ્તકમાંથી પસાર થતાં ૨૦૦૭માં પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં અગાઉ પ્રકાશિત થયેલા તેમના જ પુસ્તકો અથવા લેખોના આખા ને આખા ફકરા શબ્દશઃ લેવાયેલા જોઈને થોડી તકલીફ પણ થાય છે. જેમકે, બીજા પ્રકરણ ‘રૂપઘટક અને તેની ઓળખ’ના અનેક ફકરા ૧૯૯૨માં પ્રકાશિત તેમના પુસ્તક ‘વ્યાકરણવિમર્શ’ અને ૨૦૦૦માં પ્રકાશિત ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના જર્નલ ‘અધીત’માંના તેમના લેખમાં જોઈ શકાય છે.
અને છેલ્લે, ઊર્મિબહેનના કેટલાક શબ્દપ્રયોગો ‘ભાષાવિજ્ઞાન’ જેવા શાસ્ત્રીય ગ્રંથનિરૂપણની બહારના હોય તેવું અનુભવાય છે. જેમકે, ‘એકલાં અટૂલાં વપરાતાં રૂપો...’ (સ્વતંત્ર રીતે પ્રયોજાતા રૂપો...), ‘...અનેક પ્રશ્નો કોટિઓનો વિચાર કરવા ટાણે ઉદ્ભવે છે.’, ‘ભાષાશિક્ષણની પસાર થતી ફેશનોમાં સાદૃશ્યની પ્રક્રિયા...’, ‘થોડાંક નિયમિત પદસાધિત રૂપો કોશમાં નોંધાવા જોઈએ, પણ નોખી નોખી આઈટેમ તરીકે.’ વગેરે.

No comments:

Post a Comment